You are here: About Us

Hu Kon Chu


।। શાસનસમ્રાટ શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂર-ચંદ્રોદય-અશોકચંદ્રસૂરિભ્યો નમઃ ।।

એક બાળકને દરિયા કિનારે ઊભો રાખી ને એને પુછશો કે દરિયો કેટલો મોટો છે? અથવા તે બાળકને ઊંચા મહેલની અગાશી પર લઈ જઇ પુછશો કે આકાશ કેટલું મોટું છે? અથવા અમાસની રાત્રે આકાશ તરફ આંગણી ચીંધી પુછશો કે આકાશમાં તારા કેટલા છે? તો તે બાળક માત્ર પોતાની અસમર્થતા દર્શાવતા તેના બન્ને હાથ પહોળા કરી દેખાડશે.

હું પણ સર્વથા આ રીતે જ અસમર્થ છું પરમાત્મા શ્રી મહાવીર ભગવાન અને મારા માતા-પિતાનું ઋણ ચુકવવામાં. અને આ ઉદાહરણ મને-તમને પણ તેટલું જ લાગુ પડે છે જેમાં આપ બેમત નહિ હોવ એવી મને ખાત્રી છે. મારા જીવનના 75 વર્ષ પુરા થઇ ગયા પણ મને હજી પણ તેમની હુંફ સાંભરે છે, અને તેમના આશિર્વાદ મારી સાથે જ છે.

અમારા ગુરુવર પ.પૂ. આ. શ્રી અશોકચંદ્રસૂરિ મ.સા.ની કૃપાથી ઇ.સં. 2001માં મે મારા અને મારી ધર્મપત્ની શ્રીમતી માયાબેનના નામે "શ્રી શાંતિમાયા રિલીજીયસ ટ્રસ્ટ"ની સ્થાપના કરી. આ ટ્રસ્ટનો ઉદ્દેશ માત્ર પારમાર્થીક છે. પરમાત્માની કૃપાથી ટ્રસ્ટ જૈન શાસનની સેવામાં અને અન્ય સામાજીક કાર્યોમાં પણ યથાશક્તિ સાથ આપે છે. વર્તમાન યુગને જોતા અને આજની ટેક્નોલોજીનો ઉપયોગ કરી આપણી આજની અને આવતી પેઢી માટે ઇન્ટરનેટના (Internet) માધ્યમથી, જે આજે સૌથી ફાસ્ટ ટેક્નોલોજી અને યુવા પેઢીની જીવન જરૂરીયાત વસ્તુ થઇ ગઇ છે, આ વાત લક્ષમાં લઇ "હું કોણ છું?" નામની વેબસાઇટ બનાવી આપની સમક્ષ રજુ કરુ છું. આનંદ એ વાતનો છે કે સેંકડો, હજારો નહિ પણ લાખ્ખો આંખો આ સાઇટ દ્વારા જિનેશ્વર દેવના અને તેમની કહેલી વાણીના દર્શન કરી શકશે. જીવ કોઇ પણ મત, ગચ્છ કે કુળમાં જન્મ્યો હોય પણ જો કોઇ પણ રીતે તે વિતરાગ દેવના દર્શન કરે છે તો ભવાંતરમાં પણ તે અચૂક અધોગતિમાં જતો અટકી જાય છે અને આત્મ સન્મુખ થાય છે, આવું વિતરાગ દેવનું જ પુણ્ય છે અને મારી શ્રદ્ધા પણ.

વેબસાઇટ બનાવવાનો હેતુ પણ આ જ છે કે આપણે સૌ આત્મસન્મુખ થઈએ, માટે અલગ અલગ પ્રકારે પણ અહીં જે માહિતી પુરી પાડવામાં આવી છે તે મને-તમને હિતકારક છે. આ વેબસાઇટ પર ભારતભરના ક્યા રાજ્યમાં ક્યાં અને કેટલા તિર્થો આવેલા છે, તે તિર્થોનો ઇતિહાસ શું છે, ત્યાનાં મૂળનાયક તરીકે ક્યા ભગવાન પ્રતિષ્ઠિત છે. વગેરે વગેરે.. આધ્યાત્મિક અને સૈદ્ધાંતિક શબ્દકોષ, જૈન શાસનનું ગૌરવ વધારતા મહાપુરુષોનું જીવન ચરિત્ર, ભારતની "બહુરત્ન વસુંધરા" ધરાવતી ધરતી પર થઇ ગયેલા ઉત્કૃષ્ટ સંતોના જીવન ચરિત્ર, ભગવાન સન્મુખ બોલવાની સ્તુતિ, સ્તવનો વગેરે ઘણું જ બધું ... જેને આપણે જોઇએ, વાંચીએ, વિચારીયે, અને ચિંતન મનન દ્વારા તે મય જ રહીયે માટે આ કાર્ય હાથ ધર્યું છે. આ વેબસાઇટ પર આટલા જ વિષયો સીમિત ન રાખતા તેના પર હર-હંમેશ નિતનવું અને વધારે ને વધારે સુંદર રીતે સંકલન કરતા રહીશું માટે આપ દરેકે તેની વારંવાર વિઝીટ લેવી તે બાબત ધ્યાનમાં લેવા જેવી છે.

હું અલ્પબુદ્ધિ અને અણસમજુ, કોઇપણ રીતે પરમાત્મા મહાવીર અને મારા માતા-પિતાનું ઋણ ચુકવી ના શકું, છતાં પણ ફુલ નહી પણ ફુલની પાંખડી રૂપે આ સંપૂર્ણ વેબસાઇટ પરમાત્માના ચરણોમાં અને મારા પૂજ્ય માતાશ્રી પાર્વતીબેન અને વ્હાલા પિતા શ્રીમોહનલાલજીને સમર્પિત કરું છું, આ વેબસાઇટ દરમ્યાન જિનવાણી, જિનવચન, જિનઆજ્ઞા વિરુદ્ધ કાંઇપણ લખાયું હોય તો હું હૃદયપૂર્વક પરમાત્માની સાક્ષીએ આપની ક્ષમા માગું છું. "મિચ્છામી દુક્કડમ્"
આ વેબસાઇટ પર માહિતીઓ ભેગી કરવામાં અને અને તેના માર્ગદર્શન માટે મારા દિકરા નિતીન અને તેમની પત્ની અ.સૌ. તેજલ, મારી દિકરી અ.સૌ. શૈલા અને જમાઇ શ્રી કિર્તીકુમાર શેઠ, તથા મારી પ્રપૌત્રી અ.સૌ. રિદ્ધિ અને શ્રેણિકકુમાર શાહ તન-મન-ધનથી મહેનત કરી રહ્યા છે.
પણ આ કામ અમારા એકલાથી પુરું ના થઇ શક્યું હોત, માટે આ વેબસાઇટ પર કામ કરનાર વેબ ડિઝાઇનર અને વેબ પ્રોગ્રમર ટીમના દરેક જણનો પણ એટલો જ આભારી છું. અને જાણતાં અજાણતાં આ સાઇટ પર જેને પણ મને મદદ કરી છે તે સૌનો હું આભારી છું.
અને છેલ્લે, મેં એક સુંદર પુસ્તકમાંથી વાંચેલું એક ત્રિકાળ સત્ય તરફ તમારું ધ્યાન દોરવા પ્રયત્ન કરૂ છું અને તમને અહીં લખી જણાવું છું. કે
"સર્વ - દુઃખક્ષયનો ઉપાય કેવળ અંતર્મુખ થવું.. પ્રમાદ ત્યાગ."

"કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખક્ષયનો ઉપાય છે, પણ તે કોઇક જીવને સમજાય છે. મહત્પુણ્યના યોગથી, વિશુદ્ધમતિથી, તીવ્ર-વૈરાગ્યથી અને સત્પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવા યોગ્ય છે. તે સમજાવાનો અવસર એકમાત્ર આ મનુષ્ય દેહ છે. તે પણ અનિયમિત કાળના ભયથી ગ્રહિત છે; ત્યાં પ્રમાદ થાય છે એ ખેદ અને આશ્ચર્ય છે."
જય જિનેન્દ્ર
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
લિ. શાંતિલાલ મોહનલાલ દોશી.
ગામ- મહુવા, હાલ-ઘાટકોપર (મુંબઇ)
 Address :
hukonchu.com, Room No. 7, 3rd Floor, Gandhi Terrace Building,
Cama Lane, Opp. Shri Nidhi apartment, Near SPRJ Kanya Shala,
Ghatkopar (West). Mumbai : 400086.
email : આ ઇ-મેલ સ્પામબોટથી બચવા માટે સુરક્ષીત રાખવામા આવ્યો છે. તેને જોવા માટે જાવાસ્ક્રિપ્ટ ચાલુ કરો


 

શ્રી શત્રુંજયતિર્થની ભાવયાત્રા

હેલીકોપ્ટર વ્યુથી શત્રુજય પર્વતની તિર્થ યાત્રાનો આનંદ માણો...

શ્રી સમવસરણ મહામંદિર

પાલીતાણા તીર્થમાં શ્રી શત્રુંજયની તળેટીમાં આવેલું વિશાળ સમવસરણ મંદિરના દર્શન જરૂર કરજો. See more >>

બાળકો માટે વાર્તા

Sample image બાળકો માટે તેમના મિત્રની ગરજ પૂરી પાડતી સુંદર સાર ધરાવતી અને સંસ્કારોની ગુણવત્તા વધારતી બાળવાર્તાઓ ડાઉનલોડ કરવા ક્લીક કરો.

સંત સાગર

ભારત એ સંતોનો દેશ કહેવાય છે, અર્થ, કામ, ધર્મ અને મોક્ષ આ વાતની સમજણ અને આપણે સાધારણ જીવનમાં અસાધારણ કેવી રીતે જીવવું, સંસારથી ધર્મ તરફ વળવા માટે આ સંતોના જીવનચરિત્ર વાંચી તમે જરૂર ધન્ય મહેસુસ કરશો.